સામાન્ય જનતાના ઘર સુધી પહોંચતા L.P.G. (રાંધણગેસ) ના આવશ્યક પુરવઠાને રોકીને આખા જિલ્લાને બાનમાં લેવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટે સપાટો બોલાવ્યો છે. જનહિત અને જાહેર પુરવઠા વ્યવસ્થાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, તંત્ર દ્વારા ગેસ વિતરણમાં ગંભીર અવરોધ ઊભો કરનાર મોટી ખાવડીના કિશોરસિંહ ગગુભા જાડેજા તથા કિશોરસિંહ ગગુભા જાડેજાને સુરત, મહેન્દ્રસિંહ જેથુભા જાડેજાને અમદાવાદ અને જુવાનસિંહ મહોબતસિંહ જાડેજાને વડોદરા જેલ ખાતે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ (PBM)-1980 હેઠળ મોકલી આપવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.
જનતાના હક્કના ઇંધણને રોકીને અરાજકતા ફેલાવનારા આવા તત્વો સામેની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતી એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગ્રાહકોના હિત સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે.
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં કરાયેલા સત્તાવાર ખુલાસા મુજબ, ગત 14 મે,2026 ના રોજ જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી નજીક આવેલી શિવ હોટેલ પાસે એક ગંભીર ઘટના બની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સામાન્ય નાગરિકો માટે એલ.પી.જી. ગેસ ભરીને નીકળનારા અને ભરવા જતાં સરકારી/કોમર્શિયલ ટેન્કરોને આ શખ્સોએ અધવચ્ચે રોકી દીધા હતા.
દિવસ-રાત જોયા વગર જનતાની સેવા માટે દોડતા ટેન્કરના ડ્રાઇવરો અને ખલાસીઓને બળજબરીથી નીચે ઉતારી બેફામ ગાળો ભાંડી હતી. ડ્રાઇવરો સાથે સરાજાહેર મારામારી કરી, તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો અને રોકડા રૂપિયા છીનવી લેવામાં આવ્યા હતા. “ટેન્કરો સળગાવી દેવાની” અને “જાનથી મારી નાખવાની” ગંભીર ધમકીઓ આપી ભયનો માહોલ ઊભો કરાયો હતો, જેના કારણે સમગ્ર ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 139 એલ.પી.જી. ટેન્કરો ભરાઈને નાગરિકો સુધી પહોંચતા હતા, તે આ ગુંડાગીરીના કારણે ઘટીને માત્ર 98 થઈ ગયા હતા. એટલે કે હજારો પરિવારોના રસોડા સુધી પહોંચતો ગેસ રોકી દેવાનો આ જઘન્ય પ્રયાસ હતો.
આ ઘટના બાદ જનતાના હિતમાં તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ કૃત્ય સીધું સામાન્ય જનતાની જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે જોડાયેલું હોવાથી આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩ ઉમેરીને કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરાયો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ એ પોતાના હુકમમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં નોંધ્યું છે કે, સર્વોચચ અદાલતના ચુકાદા મુજબ કુદરતી ગેસ અને પ્રવાહી કુદરતી ગેસ પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનના દાયરામાં આવે છે. જેના વિતરણમાં અવરોધ કરવો તે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગેરકાયદેસરનું કૃત્ય છે. જો આ આરોપીઓ સામાન્ય જામીન પર મુક્ત થશે, તો તેઓ ફરીથી જાહેર પુરવઠા વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે અને જનતાની મુશ્કેલીઓ વધારી શકે છે. પરિણામે, સામાન્ય નાગરિકોને રાંધણગેસ મેળવવામાં કોઈ તકલીફ ના પડે અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત જળવાઈ રહે, તે માટે આ તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવા અનિવાર્ય હતા.
તંત્રની કડકાઈ બાદ પુરવઠો પુનઃ સામાન્ય
તંત્રની આ કડક કાર્યવાહીની સીધી હકારાત્મક અસર જનતા પર જોવા મળી છે. આરોપીઓની અટકાયત થતાં જ ખોરવાયેલી વ્યવસ્થા પાટા પર આવી ગઈ છે. 15 થી 17 મે દરમિયાન ટેન્કરોની સંખ્યા વધીને રેકોર્ડબ્રેક 173 થી 183 સુધી પહોંચી ગઈ છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો સુધી એલ.પી.જી.નો પુરવઠો સુચારુ રૂપે પહોંચતો થઈ ગયો છે. તંત્રના આ પ્રજાલક્ષી પગલાંને જામનગરની જનતાએ આવકાર્યું છે.


