કલ્યાણપુરના ગુોલાબનગરમાં મજૂરીકામ કરતો યુવાન સપ્તાહ પૂર્વે બપોરના સમયે તેની બાઇક પર રાવલ ગામ તરફ જતો હતો ત્યારે જુજારિયા પુલ નજીક બાઇક પરનો કાબૂ ગૂમાવી દેતાં બાઇક ઇલેકટ્રીક થાંભલા સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની મળતી વિગત મુજબ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાનકુવા ગામના વતની અને હાલ કલ્યાણપુરના ગુલાબનગરમાં રહી મજૂરી કામ કરતા દેવાભાઈ ટપુભાઈ પરમારનો પુત્ર સંજયભાઈ (ઉ.વ. 25) ગત તા. 12-05-2026ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાના સુમારે પોતાના ભાઈ અજયભાઈનું મોટરસાયકલ (નં. GJ-25-AE-4894) લઈને નીકળ્યો હતો.
રાવલ ગામ તરફ જતા રસ્તે જુજારીયા પુલથી આગળ સંજયભાઈએ પોતાનું મોટરસાયકલ પૂરઝડપે, બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બાઈક સીધું રસ્તા કિનારે આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં સંજયભાઈને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દમ તોડી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
બનાવ અંગે મૃતકના પિતા દેવાભાઈ પરમારની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે મરણ જનાર સંજયભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 106(1), 125(અ), 125(બ) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી પીએસઆઇ વી.આર. શુક્લએ આગળની તપાસ હાથ ધરી હતી.


