કલ્યાણપુર તાલુકાના રણજીતપુર પાસે સોમવારે સાંજના સમયે ચાલુ મોટરકારમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં પિતા-પુત્ર આગમાં જીવતા ભૂંજાયા હતા. જ્યારે તેમની સાથે રહેલ મહિલા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ ઘટનાની જાણ થતાં ભાટિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ ગોઝારા અકસ્માતની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ પાસે હાઇવે પરથી પસાર થતી મોટર કારમાં અકસ્માતે આગ ભભૂકી હતી અને ચાલુ મોટરકારમાં ભભૂકી ઉઠેલી આગ જોતજોતામાં એટલી ઝડપી પ્રસરી ગઇ હતી કે, મોટરકાર અગનગોળામાં ફેરવાઇ ગઇ હતી અને કારમાં સવાર લોકોને બહાર નિકળવાનો કોઇ મોકો જ ન મળ્યો હતો. કારમાં સવાર પિતા-પુત્ર મોટરકારમાં જ આગમાં ભડથું થઇ જતાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર બારાડી પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ અકસ્માતમાં પિતા-પુત્રના મોત થવાની સાથે કારમાં સવાર એક મહિલા પણ ગંભીર રીતે દાઝી જતાં તેને વધુ સારવારઅર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ભાટિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી આરંભી હતી. માર્ગ પર મોટર કારમાં આગના પરિણામે લોકોના ટોળાં પણ એકઠાં થઇ ગયા હતા.


