Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનગણના અભિયાનનો પ્રારંભ - VIDEO

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનગણના અભિયાનનો પ્રારંભ – VIDEO

ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઓનલાઈન સ્વ-વસ્તી ગણતરી પૂર્ણ કરી નાગરિકોને સહકાર આપવા કરી અપીલ

- Advertisement -

૧ હજારથી વધુ બ્લોક અને ૧ હજારથી વધુ સ્ટાફ સાથે આયોજનબદ્ધ કામગીરી શરૂ

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી (જનગણના) કાર્યક્રમનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અને આદેશ અનુસાર તા. ૧૭ મેથી આ મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -

જનગણના અભિયાનના પ્રથમ તબક્કામાં સ્વ-વસ્તી ગણતરી (સ્વ-ગણતરી) પ્રક્રિયાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નાગરિકો ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાના પરિવારની વિગતો ફોર્મમાં ભરી સબમિટ કરી શકશે. ઘરે બેઠા સરળતાથી પોતાની માહિતી નોંધાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

- Advertisement -

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાની ઓનલાઈન સ્વ-વસ્તી ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરીને જનગણના અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જનગણના જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં દરેક નાગરિકનો સહકાર જરૂરી છે અને લોકો સાચી તથા સચોટ માહિતી આપી અભિયાનને સફળ બનાવે.

જનગણના કાર્યક્રમ અંતર્ગત તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન મહાનગરપાલિકા દ્વારા નિમણૂક કરાયેલા કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ રૂબરૂ માહિતી એકત્રિત કરશે. એક મહિનાના આ સઘન કાર્યક્રમ દરમિયાન પરિવારના સભ્યોની સંખ્યા, રહેણાંક સ્થિતિ સહિતની વિવિધ વિગતો નોંધવામાં આવશે.

આ કામગીરીને વધુ સુચારૂ અને અસરકારક બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ હજારથી વધુ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે ૧ હજારથી વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ જનગણનામાં મળતી માહિતીના આધારે ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો અને જાહેર સુવિધાઓનું આયોજન કરવામાં આવશે. જેથી નાગરિકોએ ગણતરીદાર સ્ટાફ ઘરે મુલાકાતે આવે ત્યારે યોગ્ય માહિતી આપી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

જનગણના જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં દરેક નાગરિકનો સહભાગ અને સહકાર જરૂરી હોવાનું જણાવી સમગ્ર અભિયાનને સફળ બનાવવા સૌને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular