દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના કડક અમલ માટે કલ્યાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત, કેનેડી ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિકોની ઓળખના પુરાવા મેળવ્યા વિના અને પોલીસ મથકે નોંધણી કરાવ્યા વિના રાખવા બદલ કારખાનાના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 15-05-2026ના રોજ બપોરના આશરે 13:30 વાગ્યાના સુમારે કલ્યાણપુર પોલીસ સ્ટાફ દ્વારા થાણાથી 8 કિલોમીટર દૂર કેનેડી ગામની સીમમાં આવેલ બોક્સાઈટ કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કારખાનામાં ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યના પરપ્રાંતીય શ્રમિકો મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા મળી આવ્યા હતા.
કારખાનાના સંચાલક દ્વારા ત્યાં રાખવામાં આવેલા શ્રમિકો (1) અજયકુમાર તુફાની પ્રસાદ (રહે. ઉત્તરપ્રદેશ) (2) પવનકુમાર અક્ષયબર પ્રસાદ (રહે. બિહાર) અને (3) અરવિંદકુમાર જોગીન્દર શાહ (રહે. બિહાર ના ઓળખના પુરાવા મેળવવામાં આવ્યા ન હતા. તેમજ આ અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન કે અધિકૃત અધિકારી પાસે જમા કરાવવામાં આવી ન હતી. આ બેદરકારી બદલ કલેક્ટરના જાહેરનામા નં. DBD/0690/03/2026ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. ધરણાંતભાઇ કારૂભાઇ માડમની ફરિયાદના આધારે આરોપી કારખાનાના સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસની રૂબરૂ ફરિયાદની પ્રક્રિયા પો.હે.કોન્સ લખમણભાઇ ડી.કારાવદરા અને એ.એસ.આઈ અંજલીબેન મકવાણા દ્વારા કરવામાં આવી હતી. હાલ આ કેસની વધુ તપાસ પો.હેડ કોન્સ. માલદેભાઇ કે. બરાઇ ચલાવી રહ્યા છે અને આરોપીને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે.


