જામનગરના રામેશ્વરનગર, મધુરમ્ રેસિડેન્સી પાસે શેરીમાં છોકરાઓ ક્રિકેટ રમતાં હોય તેમાં રમવાની ના પાડતાં બબાલ સર્જાઇ હતી. જેમાં મહિલાઓ સહિતના વિરૂદ્ધ અપશબ્દો બોલી માર માર્યાની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બબાલની વિગત મુજબ જામનગરના રામેશ્વરનગર, મધુરમ્ રેસિડેન્સી, મધુરેશ્વર મંદિરની બાજુમાં રહેતા અરૂણાબા પ્રદ્યુમનસિંહ જેઠવા તા. 11ના સાંજના સમયે તેમના ઘરે હતા ત્યારે આરોપીઓના દીકરા શેરીમાં ક્રિકેટ રમતા હતા. જેથી ફરિયાદી અરૂણાબાએ હર્ષાબાને કહ્યું હતું કે, તમારા છોકરાઓને સમજાવો. અહીં ક્રિકેટ ન રમે. દડો અમારા ઘરમાં આવે છે. તેમ કહેતાં હર્ષાબા ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને નરેન્દ્રસિંહ પોતાના ઘરમાંથી લાકડી લઇ આવી ફરિયાદીને કપાળના ભાગે ઝિંકી દીધી હતી. તેમજ હર્ષાબાએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે અરૂણાબા દ્વારા હર્ષાબા નરેન્દ્રસિંહ ગોહિલ તથા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે નરેન્દ્રસિંહ બટુકસિંહ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, અરૂણાબાનો દીકરો શેરીમાં ક્રિકેટ રમતો હોય જેથી ક્રિકેટ ન રમવાનું સમજાવવા કહેતા અરૂણાબા ઉશ્કેરાઇ ગયા હતા અને હર્ષાબાને અપશબ્દો બોલી પ્રદ્યુમનસિંહ પોતાના ઘરમાંથી લાકડી લઇ આવી ફરિયાદીના પત્નીને માથામાં ઝિંકી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે નરેન્દ્રસિંહ દ્વારા અરૂણાબા ઉર્ફે સંગીતાબા પ્રદ્યુમનસિંહ જેઠવા તથા પ્રદ્યુમનસિંહ જેઠવા સામે ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધી પીએઅસાઇ એમ. એચ. મહેતા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


