જામનગર શહેરના સૌથી મહત્વાકાંક્ષી અને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા લાલપુર જંક્શન સિક્સ-લેન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફ્લાયઓવરનું અંદાજે 75થી 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જો કામગીરી હાલની ગતિએ આગળ વધશે તો આગામી નવેમ્બર-2026 સુધીમાં બ્રિજ સંપૂર્ણ તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ ફ્લાયઓવર શરૂ થતાં શહેરના ટ્રાફિકમાં ઐતિહાસિક રાહત મળશે અને દરરોજ અંદાજે દોઢથી બે લાખ લોકોને સીધો લાભ મળશે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 105.10 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ સિક્સ-લેન ફ્લાયઓવર જામનગરના વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત લાલપુર જંક્શન ખાતે વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરીકે આ પ્રોજેક્ટને જોવામાં આવી રહ્યો છે.
ફ્લાયઓવરની કુલ લંબાઈ આશરે 1000 મીટર, પહોળાઈ 24 મીટર (સર્વિસ રોડ સહિત) અને ક્લિયર હાઇટ 5.50 મીટર રહેશે. બંને બાજુ 7.50 મીટર પહોળા સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વાહનવ્યવહાર પણ સરળ બનશે.
View this post on Instagram
આ ફ્લાયઓવર ખાસ કરીને જી.આઈ.ડી.સી. ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3માં રોજિંદી અવરજવર કરતા હજારો કર્મચારીઓ અને ઉદ્યોગોને મોટી રાહત આપશે. ઉપરાંત દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી જામનગરમાં પ્રવેશતા ભારે વાહનોને પણ ટ્રાફિક જામનો સામનો કરવો નહીં પડે. પરિણામે વાહનચાલકોનો કિંમતી સમય બચશે, ઇંધણનો ખર્ચ ઘટશે અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઓછું થશે.
આ પ્રોજેક્ટનું કામ 7 ઓક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કામગીરી અન્ય એજન્સી દ્વારા હાથ ધરાઈ હતી, પરંતુ બાદમાં જામનગર મહાનગરપાલિકાએ બાકીનું કામ નવી એજન્સીને સોંપતા કામગીરીને વધુ વેગ મળ્યો છે. હાલમાં બ્રિજનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ હવે કામગીરી અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે.
શહેરના ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને લાલપુર સિક્સ-લેન ફ્લાયઓવર માત્ર એક બ્રિજ નહીં, પરંતુ જામનગરના માર્ગવ્યવહાર માટે ગેમચેન્જર પ્રોજેક્ટ સાબિત થશે. નવેમ્બર સુધીમાં બ્રિજ કાર્યરત થતાં શહેરના લાખો વાહનચાલકોને વર્ષોથી અનુભવાતી ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


