જામનગર શહેરમાં સુભાષ બ્રિજ નજીક રંગમતી નદીના કાંઠે એક માછલીના વિક્રેતા રિક્ષા ચાલકની લૂંટના ઇરાદે કરાયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારાના એક દિવસના રિમાન્ડ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન આરોપીએ નદીમાં ફેંકી દીધો હોવાથી ફાયર બ્રિગેડની મદદ લઈને પોલીસ દ્વારા મોબાઈલ ફોનને શોધવા માટેની કવાયત ધરાઈ હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અસગર ઇસમાઇલ કેર દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂનભાઈ કેરની અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર બનાવના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા ઈસ્માઈલભાઈ કેર નામના રીક્ષાચાલકની હત્યાના પ્રકરણમાં તેના જ પરિચિત એવા જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા મહેબુબ મહમદહુસેન સચડાની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. રિમાન્ડ દરમ્યાન હત્યારાએ લૂંટેલો મૃતકનો ફોન રંગમતિ નદીમાં ફેંકી દીધો હોવાની કેફિયતના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે જામનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આરોપીને સાથે રાખીને રંગમતી નદીમાં શોધખોળ આરંભી હતી. પરંતુ હજુ સુધી મોબાઈલ ફોન સાંપડ્યો નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.
View this post on Instagram


