વાહન ચલાવવાના લાયસન્સ માટે સરકાર દ્વારા ઓનલાઈન અને ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે અનેક શહેરોમાં અરજદારોને મોટી રાહત મળી છે. વિવિધ સેન્ટરો પર સુવિધા ઉપલબ્ધ થતા પ્રક્રિયા સરળ બની છે અને સમયની બચત પણ થાય છે. પરંતુ જામનગરના આઈટીઆઈ સેન્ટર ખાતે આ સેવા અરજદારો માટે રાહત કરતા વધુ મુશ્કેલીનું કારણ બની રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
અરજદારોના જણાવ્યા મુજબ, લાયસન્સ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ હેઠળ ચોક્કસ સમય આપવામાં આવે છે, છતાં તેઓ નિર્ધારિત સમયે સેન્ટર પર પહોંચ્યા બાદ ઇન્ટરનેટ ખામીના કારણે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ઘણા કિસ્સાઓમાં તો કલાકો સુધી બેસી રહેવું પડે છે, જ્યારે કેટલીકવાર તો આખો દિવસ વેડફાઈ જાય છે. વારંવાર ઇન્ટરનેટ બંધ રહેવાના કારણે અરજદારોને અનેક વખત ચક્કર લગાવવા પડે છે, જેના કારણે તેઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ઘણા અરજદારો પોતાની નોકરી, ધંધો કે અન્ય મહત્વના કામ વચ્ચે સમય કાઢીને લાયસન્સ માટે આવે છે, પરંતુ સેન્ટર પર પહોંચી ને જાણવા મળે છે કે સેવા બંધ છે અથવા ટેકનિકલ ખામીના કારણે કામ થઈ શકતું નથી. કેટલીકવાર ‘સર્વર ડાઉન’ અથવા ‘ઇન્ટરનેટ ન ચાલતું હોવું’ જેવા કારણો આપી કામગીરી અટકાવવામાં આવે છે. પરિણામે અરજદારોને આર્થિક અને માનસિક બંને પ્રકારની તકલીફ સહન કરવી પડે છે.
View this post on Instagram
અરજદારોનો આક્ષેપ છે કે સમસ્યા લાંબા સમયથી ચાલુ હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેઓ કહે છે કે સેન્ટર પર યોગ્ય ઇન્ટરનેટ સુવિધા અને ટેકનિકલ વ્યવસ્થા હોવી જરૂરી છે, જેથી લોકોનો સમય બગડે નહીં અને સરકારની ડિજિટલ સેવા વાસ્તવમાં સરળ અને અસરકારક બની શકે. કેટલાક અરજદારો તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે સર્વર બંધ હોવાના બહાને અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી અને ક્યારેક ઠેકડી ઉડાડતા વર્તનનો સામનો કરવો પડે છે.
આ સમગ્ર મામલે અરજદારો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને અપીલ કરવામાં આવી છે કે આઈટીઆઈ સેન્ટર ખાતે ઇન્ટરનેટ અને ટેકનિકલ સુવિધાઓ મજબૂત કરવામાં આવે, જેથી લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે અને નિર્ધારિત સમયે જ તેમની કામગીરી પૂર્ણ થઈ શકે.
આ મામલે આઈટીઆઈ સેન્ટરના આચાર્યએ જણાવ્યું હતું કે અહીં મુખ્યત્વે ‘જીસ્વાન’ (GSWAN) નેટવર્ક પર આધારિત સેવા કાર્યરત છે. ક્યારેક આ નેટવર્કમાં ખામી આવવાના કારણે ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રીતે બંધ થઈ જાય છે, જેના કારણે કામગીરીમાં વિક્ષેપ પડે છે. તેઓએ જણાવ્યું કે આવી પરિસ્થિતિ ભાગ્યે જ સર્જાય છે અને નેટવર્ક સુધરતા જ સેવા ફરી શરૂ કરવામાં આવે છે.


