જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો પૈકી 63 બેઠકો માટે મતદાન યોજાયુ હતુું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રના માઈક્રોપ્લાનિંગના સમન્વય સાથે જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જામનગરની 63 બેઠકો માટે સરેરાશ 50.02 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 206 ઉમેદવારોનું ભાવિ મતદાન પૂર્ણ થયા બાદ સીલ થઇ ચૂકયું છે. મતદાન દરમ્યાન વોર્ડ નંબર ત્રણના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું મૃત્યુ થતાં શોક છવાયો હતો. જામનગરની જનતાએ કોને પોતાના જનસેવક તરીકે ચૂંટયા તે તા. 28 એપ્રિલના રોજ સામે આવશે.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન રવિવારે હાથ ધરાયું હતું. સવારે સાત વાગ્યાથી મતદાનો પ્રારંભ થયો હતો. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરિફ જાહેર થયા બાદ 63 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. કુલ 4,42,841 મતદારો ધરાવતી જામનગર મહાનગરપાલિકાના 416 મતદાન મથકો ઉપર મતદાન યોજાયું હતું. સવારે સાત વાગ્યે મતદાન શરૂ થતાં જામનગરના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાઓથી લઇ વડીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ખાસ કરીને પ્રથમવખત મતદાન કરતા યુવક-યુવતીઓએ પણ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ભાગ લઇ લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 16.91% મતદાન નોંધાયું હતું. ત્યારબાદની બે કલાકમાં એટલે કે બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 29% સુધી પહોંચ્યું હતું. આમ, જામનગરમાં ધીમી ગતિએ ચાલતા મતદાનથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઇ હતી અને મતદારોને મતદાન મથકોએ લાવવા કવાયત હાથ ધરી હતી. જેના પરિણામે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 39.81%એ પહોંચ્યું હતું. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 50.02% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 01માં 66.74% અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 05માં 39.98% મતદાન થયું હતું.
12 બેલેટ યુનિટ ખરાબ થયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં કુલ 12 બેલેટ યુનિત તથા બે ક્ધટ્રોલ યુનિટ ખરાબ થવાની ઘટનાઓ સામે આવી હતી. જેને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બદલવા સહિતની કામગીરી કરી મતદાન પૂર્વવત્ કરાવવામાં આવ્યું હતું. કેટલાંક વિસ્તારોમાં બેલેટ યુનિટમાં ખામી સર્જાતા મતદારોની લાઇનો લાગી ગઇ હતી.
જામનગર શહેરમાં ઘણા વિસ્તારોમાં સિનિયર સિટીઝનો સાથે અન્ય મતદારોને મતદાન મથક સુધી લઇ જવા રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા રિક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જામનગર શહેર-જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. એક ઉમેદવારના નિધન સિવાય અન્ય કોઇ અનિચ્યનિય ઘટના ન બનતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ પણ મતદાન દરમ્યાન જામનગરમાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે જામનગરના બેડી, શંકરટેકરી, દરબારગઢ સહિતના વિસ્તારોમાં તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
View this post on Instagram
જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ જામ્યુકો વિપક્ષી નેતા ધવલભાઇ નંદા સહિતના અગ્રણીઓની સાથે શહેરીજનો મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. આમ, જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 63 બેઠકોના ભાજપ, કોંગ્રેસ, ‘આપ’ તથા અન્ય પક્ષોના ઉમેદવારો સહિત 206 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. રવિવારે શાંતિપૂર્વક પૂર્ણ થયેલ મતદાનની તા. 28 એપ્રિલના મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે જામનગરવાસીઓએ કોને પોતાના નગરસેવકનું સૂકાન સોંપ્યું છે તે જાહેર થશે.


