હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે સંદર્ભે પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોની ‘પાસા’ હેઠળ ધરપકડ અંતર્ગત જામનગર જિલ્લાના પાંચ ગુનેગાર અને દ્વારકા જિલ્લાના બે રીઢા ગુનેગારોની પાસા હેઠળ ધરપકડ કરી જુદી જુદી જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. રવિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થનાર હોય આ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ગુનેગારો વિરૂદ્ધ પાસાની કલમ હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને મતદાન તથા મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી, સિટી ‘એ’ પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફના મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઇ સોનગરા, વિક્રમસિંહ જાડેજા, પીઆઇ એન. એમ. ગઢવી તથા મુકેશસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, જોડિયા પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફના મેશુરભાઇ શિયાર, રોહિતભાઇ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા શરીર સંબંધી અને બૂટલેગર વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ પાસાની દરખાસ્તમાં બિપીન વસ્તા વકાતર (રહે. હડિયાણા, તા. જોડિયા) સામે પ્રોહિબિશનના ગુના સબબ, મનિષ ઉર્ફે મનિયો પલ્લી રમેશ દામા (રહે. નંદનવન પાર્ક-1, રણજિતસાગર રોડ, જામનગર) સામે પ્રોહિબિશનના ગુના સબબ, કુલદીપસિંહ લાલુભા જાડેજા (રહે. પુનિતનગર, શેરી નંબર 3, ગાંધીનગર, જામનગર) સામે શરીર સંબંધી ગુના સબબ, શક્તિસિંહ લાલુભા જાડેજા (રહે. પુનિતનગર, શેરી નંબર 3, ગાંધીનગર, જામનગર) સામે શરીર સંબંધી ગુના સબબ, ભરત મનસુખ પરમાર (રહે. ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટી) સામે શરીર સંબંધી ગુના સબબ પાસાની દરખાસ્ત કલેકટર પી. બી. પંડયાએ મંજૂર કરતાં આ વોરંટમાં પોલીસ દ્વારા બિપીન વકાતર, મનિષ દામા અને કુલદીપસિંહ જાડેજાને અમદાવાદ સાબરમતિ મધ્યસ્થ જેલમાં તથા શક્તિસિંહ જાડેજાને વડોદરા મધ્યસ્થ જેલમાં તથા ભરત પરમારને સુરત લાજપોરની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખંભાળિયાના દ્વારકાના બે રીઢા ગુનેગારો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દરખાસ્ત મંજૂર થતાં બન્ને શખ્સોની અટકાયત કરી મહેસાણા અને અમરેલી જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા ગુનાહિત તત્વો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા સામાજિક ઇસમો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ ડાયાલાલ નકુમ (ઉ.વ. 45) તેમજ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રોહિ. બુટલેગર સુનિલભા મેરૂભા માણેક (ઉ.વ. 25) સામે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી અને જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમના દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને ત્વરિત નિર્ણય લઇ આ બંને શખ્સોના પાસા મંજૂર કરી, અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા આ બંને શખ્સોને રાઉન્ડ અપ કરી અને અનુક્રમે મહેસાણા જિલ્લા જેલ અને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટાણિયા, એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલ્યિા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


