Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરઆજ સાંજથી જામનગરમાં પ્રચારના ભૂંગળા શાંત થશે

આજ સાંજથી જામનગરમાં પ્રચારના ભૂંગળા શાંત થશે

રવિવારે યોજાશે મતદાન પ્રક્રિયા : જાહેરસભાઓ અને વાહનો દ્વારા થતી પ્રચાર પ્રક્રિયા ઉપર લાગશે રોક : સાંજથી પ્રચાર પડઘમ શાંત થતાં છેલ્લી કલાકોમાં શરૂ થશે ગુપ્ત મિટિંગો અને ખાટલા બેઠકો : તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાની વ્યવસ્થા જાળવવા માટે તડામાર તૈયારી

જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે. આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. પ્રચાર પડઘમ શાંત થતાં હવે છેલ્લી કલાકોમાં ઉમેદવારો ગુપ્ત મિટિંગો અને ખાટલા બેઠકોનો પડાવ શરૂ કરશે. તો બીજી તરફ વહીવટીતંત્ર અને પોલીસતંત્ર ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપવા માટે વ્યસ્ત બનશે. આવતીકાલે સવારથી ઇવીએમ સહિતના ચૂંટણી સાહિત્ય સાથે સ્ટાફ રવાના થશે.

- Advertisement -

રવિવારે જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, જામનગર તાલુકા પંચાયત, સિકકા નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને ઘ્યાને લઇ ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. જામનગરમાં મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તા. 01 એપ્રિલએ ચૂંટણી જાહેર થઇ હતી અને તા. 06 એપ્રિલએ જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. તા. 11 એપ્રિલ સુધ ઉમેદવારીપત્રો ભરાયા બાદ ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારી પાછી ખેંચવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું હતું. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 63 બેઠકો માટે કુલ 206 ઉમેદવારો મેદાને છે. વોર્ડ નંબર 14ના ભાજપાના એક ઉમેદવાર બિનહરિફ વિજેતા થતાં 63 બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને આડે હવે 48 કલાક જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જામનગરમાં જાહેરનામા મુજબ આજે સાંજથી જાહેરસભાઓ અને વાહનો દ્વારા થતી પ્રચાર પ્રક્રિયાઓ ઉપર રોક લાગી જશે.

આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી જવાના હોય ગઇકાલે સાંજે ઉમેદવારો દ્વારા સંખ્યાબંધ વિસ્તારોમાં રેલી, જાહેરસભાઓ સહિતના આયોજનો કરાયા હતા. ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ ઝડપી પ્રચાર પ્રસાર પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો. હોર્ડિંગ્ઝ, કાર્યાલયોના ઉદ્ઘાટન, ડોર-ટુ-ડોર લોકસંપર્ક, સમાજોની મિટિંગો સહિતની કામગીરીઓ જોરશોરથી ચાલી હતી. જે તમામ જાહેર કામગીરીઓ આજે સાંજે જાહેરનામા મુજબ પૂર્ણ થઇ જશે. ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજથી પૂર્ણ થતાં હવે ચૂંટણી પૂર્વેના છેલ્લા કલાકો દરમ્યાન ગુપ્ત મિટિંગો, ખાટલા બેઠકો શરૂ થશે. પ્રચાર પ્રસારના પડઘમ શાંત થતાં હવે ઉમેદવારો ગુપ્ત રીતે મતદારોનો સંપર્ક કરી મતદારો સુધી પહોંચવા શક્ય તેટલા પ્રયાસો કરશે. તેમજ ફાઇટીંગવાળી બેઠકોમાં સમાજ લેવલની બેઠકો પણ યોજાશે.

- Advertisement -

આજે ચૂંટણીપંચના જાહેરનામા મુજબ પ્રચાર પ્રક્રિયાનો અંતિમ દિવસ છે. ત્યારે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે તેમજ આજે પ્રચાર પડઘમ પૂર્ણ થવા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે પ્રચારમાં આવેલા અન્ય જિલ્લાના લોકોએ પણ જિલ્લો છોડી દેવાનું જાહેરનામુ હોય આવા લોકો પણ જિલ્લો છોડી દેશે. ઉમેદવારો અંતિમ ઘડીના મતદારોને રિઝવવાના પ્રયાસો કરશે તો બીજીતરફ અંતિમ તબક્કામાં પહોંચેલી ચૂંટણી પ્રક્રિયા શાંત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

રવિવારે યોજાનાર મતદાનમાં મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે તંત્ર સજ્જ થયું છે. જિલ્લા તંત્ર દ્વારા ઇવીએમ, ઝોનલ રૂટ, રિસિવિંગ-ડીસ્પેચિંગ સેન્ટર સહિતની તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. સ્ટ્રોંગ રૂમ સહિતની તૈયારીનું કલેક્ટરએ પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મતદાન વધે તે માટે પણ તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાનમથકો ઉભા કરવાની પ્રક્રિયા સાથે સાથે દરેક મતદાનમથકની આજુબાજુના 100 મીટર વિસ્તારનું માર્કિંગ કરીને મેપિંગ સહિતની કામગીરી પણ પૂર્ણ કરાઇ છે. આ સાથે પોલીસતંત્ર પણ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે સજ્જ છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારો અને મતદાનમથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે. મતદારો પોતાના મતાધિકારનો નિર્ભિક રીતે ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા માઇક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પી. બી. પંડયાની આગેવાની હેઠળ ચૂંટણી અધિકારીઓની ટીમ મતગણતરી સુધીની અંતિમ પ્રક્રિયામાં ફરજ બજાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular