જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી દોઢ કિલોમીટર દૂર હાઇવે પર પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી ઇકો કારએ આગળ જતાં બાઇકને પાછળથી ઠોકરે ચઢાવતા બાઇકસવાર પ્રૌઢ અને મહિલા સહિત બે વ્યક્તિઓના ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં અને મજૂરીકામ કરતાં સોમાભાઇ ડામોર નામના પ્રૌઢ ગત્ મંગળવારે મદ્યરાત્રિના સમયે તેના જીજે10 આર 1762 નંબરના બાઇક પર તેના કૌટુંબિક ભાભીને લઇને જતા હતા ત્યારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલથી દોઢ કિ.મી. દૂર રાધે રેસિડેન્સી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે03 આર 8976 નંબરની ઇકો કારના ચાલકએ બાઇકને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં સોમાભાઇને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ પ્રૌઢના કૌટુંબિક ભાભીને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માત નિપજાવ્યા બાદ ઇકોનો ચાલક કાર લઇ પલાયન થઇ ગયો હતો.
ત્યારબાદ પ્રૌઢ સોમાભાઇને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણ પ્રવીણભાઇ ડામોર દ્વારા કરવામાં આવતાં એએસઆઇ ડી.જે. ગાગિયા પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલે પહોંચી ગયા હતા. જ્યાં બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જી પલાયન થઇ ગયેલા કારચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


