Monday, March 23, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં વાયરચોરી પ્રકરણમાં પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં વાયરચોરી પ્રકરણમાં પાંચ શખ્સો ઝડપાયા

પીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી ચોરીનો બનાવ : રૂપિયા પોણા આઠ લાખનો વાયરની ચોરી : બોલેરો, બાઇક, મોબાઇલ ફોન અને વાયર કબ્જે : કુલ રૂ. 11.88 લાખનો મુદ્દામાલ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી થોડા સમય પૂર્વે રૂપિયા 7.77 લાખની કિંમતના એલ્યુમિનિયમના વાયરના ગૂંચળાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને ખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી, ખંભાળિયા તથા લાલપુરના પાંચ શખ્સોને ઝડપી લઈને કુલ રૂ. 11.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા પીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી થોડા દિવસો પૂર્વે કોઈ શખ્સો રૂપિયા 7.77 લાખની કિંમતના 3700 કિલોગ્રામ જેટલા એલ્યુમિનિયમ વાયરના ગૂંચળા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. આને અનુલક્ષીને પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર દ્વારા નોંધાવવામાં આવેલી ધોરણસર ફરિયાદને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતા અને ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આદરવામાં આવી હતી.

આ અંગે સર્વેલન્સ સ્ટાફની કામગીરી તેમજ સી.સી.ટી.વી. કેમેરાની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી કરવામાં આવેલી કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હેમતભાઈ નંદાણીયા, કાનાભાઈ લુણા અને અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એક ભંગારના વાડામાં છુપાવીને રાખવામાં આવેલા ચોરીના એલ્યુમિનિયમ વાયરના ગૂંચળા પોલીસે શોધી કાઢ્યા હતા.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ અશોક મોહનભાઈ કણજારીયા, ધર્મેન્દ્ર લાભુભાઈ મકવાણા અને શનિ બાબુભાઈ ચુડાસમા તેમજ ખંભાળિયામાં રહેતા તાલબ ઉર્ફે તાલબો કરીમભાઈ સંઘાર અને પિન્ટુ ભીખાભાઈ કાંજ નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 7,52,850ની કિંમતના 3585 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, રૂપિયા ચાર લાખની કિંમતનું બોલેરો પિકઅપ વાહન તથા રૂપિયા 20,00ની કિંમતનું એક મોટરસાયકલ તથા રૂપિયા 15,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા 11,88,350નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં ઝડપાયેલા શખ્સ કણજારીયા સામે લાલપુર તાલુકામાં ત્રણ ગુનાઓ તેમજ તાલબ ઉર્ફે તાલબો કરીમાભાઈ સંઘાર સામે ખંભાળિયામાં છ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. એમ.જે. સાગઠિયા તથા સ્ટાફના પ્રવીણભાઈ ગોજિયા, કનુભાઈ ચાવડા, હેમંતભાઈ નંદાણીયા, કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular