જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં વસવાટ કરતાં વેપારી યુવાનના મેતાજી દ્વારા તેના મિત્રને જીએસટી નંબર આપી ત્રણ શખ્સોએ એકસંપ કરી વેપારીના જીએસટી નંબર ઉપર રૂા. 20.33 લાખના ખોટા ઇ-વે બિલ બનાવી વેપારી સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.

આ છેતરપિંડીના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના સરાપાદર ગામના વતની અને હાલ જામનગર રણજિતસાગર રોડ પર પટેલ પાર્કમાં આવેલા ગોકુલદર્શનમાં રહેતાં હિરેન મુકેશભાઇ હીરપરા (ઉ.વ.27) નામના યુવાને વર્ષ 2021માં યુનિટી એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા ઇ-કોમર્સમાં ઓનલાઇન કીચનવેર માલ વેંચવા માટે જીએસટી નંબર 24DHEPH 6911 B2 ZEE થી ધંધો શરૂ કર્યો હતો. આ પેઢીમાં મેતાજી તરીકે જયસુખ જમન વોરાને નોકરી પર રાખ્યો હતો. ત્યારબાદ છ મહિના પછી જયસુખને નોકરી પર આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ હિરેન રાબેતા મુજબ પેઢી ચલાવતો હતો. દરમ્યાન વર્ષ 2025ના મે મહિનામાં જીએસટી વિભાગ તરફથી પેનલ્ટી સહિત રૂા. 37,86,000ના બાકી બિલની નોટીસ મળતાં આ મામલે તપાસ કરી હતી.
તપાસ દરમ્યાન જયસુખ વોરાએ તેના મિત્ર અમિતસિંગ દરિયાસિંગ માનને નિલ રીપોર્ટ બનાવવા માટે હિરેનની પેઢીનો જીએસટી નંબર આપ્યો હતો. જેના આધારે અમિતસિંગે નીલ રિપોર્ટ ન બનાવી રૂા. 20.33 લાખના જય ગુજરાત ટ્રાન્સપોર્ટ ગુડ્ઝ કેરિયર, શંકર ટેકરી, જામનગર નામની પેઢીના ખોટા ઇ-વે બિલ બનાવ્યા હતા. આમ, ત્રણ શખ્સોએ વેપારી સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં વેપારીએ મેતાજી જયસુખ વોરા, અમિતસિંગ માન અને જય ગુજરાત ગુડ્ઝ કેરિયર નામના ત્રણ વ્યક્તિઓ વિરૂઘ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆ એન. એમ. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


