જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસેથી મોંઘી ઓડી કારની તલાશી લેતાં ચાર ચપલા મળી આવતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા મકાનમાં દરોડો પાડી પોલીસે ઇંગ્લીશ દારૂની 6 બોટલ તથા 30 નંગ ચપલા ઝડપી લીધા હતા. ક્રિષ્નાનગરમાંથી એક્સેસમાંથી એક બોટલ દારૂ કબ્જે કયો હતો. વુલનમીલ, ઝૂંપડામાંથી ઇંગ્લીશ દારૂની એક બોટલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ ઉપરથી પસાર થતી જીજે05 જેસી 2030 નંબરની સફેદ કલરની ઓડી કારને આંતરીને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે તલાશી લેતાં કારમાંથી રૂા. 400ની કિંમતના ચાર નંગ ચપટા મળી આવતાં પોલીસે અજય જીવરાજ પરમાર, અક્ષય મગન ગોસ્વામી તથા મયૂર કરશન ગોહિલ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા. એક લાખની ઓડી કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 1,00,400ના મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી ક્રિષ્નાનગર, શેરી નંબર ત્રણમાં યુવરાજસિંહ અનોપસિંહ ભટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન રૂા. 4200ની કિંમતની ઇંગ્લીશ દારૂની 6 નંગ બોટલ, રૂા. 6000ની કિંમતના 30 નંગ ચપટા મળી કુલ રૂા. 10,200નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. રેઇડ પૂર્વે નાશી ગયેલા આરોપી યુવરાજસિંહ ભટી નામના શખ્સની શોધખોળ જહેમત આદરી હતી.
ત્રીજો દરોડો એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલી ક્રિષ્નનગરમાં શેરી નંબર ત્રણમાંથી જીજે10 ડીકે 9629 નંબરના એક્સેસ પરથી પસાર થતાં સચિન દિલીપ રાઠોડ નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી એક બોટલ ઇંગ્લીશ દારૂની મળી આવતા પોલીસે રૂા. 700ની કિંમતનો દારૂ તથા રૂા. 25000ની કિંમતની એક્સેસ સહિત કુલ રૂા. 25700 કબ્જે લઇ આરોપીની ધરપકડ કરી હતી.
ચોથો દરોડો જામનગરના વુલન મીલ પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા દીપુ કમલભાઇ વઢિયારના ઝુંપડામાં પોલીસે તલાશી લેતાં તેમાંથી રૂા. 700ની કિંમતની ઇંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા કબ્જે કરી દીપુ નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


