દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. સ્થાનિક કબીરનગર વિસ્તારમાં આવેલ તળાવમાં ન્હાવવા ગયેલા એક કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ અંગેની પ્રાથમિક માહિતી મુજબ હોળીનો ઉત્સવ ઉજવી કિશોર પોતાના મિત્રો સાથે રંગરમાટ કર્યા બાદ ન્હાવવા માટે કબીરનગર વિસ્તારમાં આવેલા તળાવ પર ગયો હતો. ન્હાવા દરમિયાન તે અચાનક ઊંડા પાણીમાં ચાલી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો. સાથે રહેલા લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેને બહાર કાઢ્યા બાદ તેની હાલત ગંભીર હતી.
સ્થાનિક લોકોએ તરત જ ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરી હતી. તંત્રની મદદથી કિશોરને સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુ:ખદ બનાવના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. વિસ્તારના લોકોએ પણ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટના તળાવો અને જળાશયોમાં ન્હાવા જતા સમયે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ફરી એક વખત પ્રશ્ર્નચિહ્ન ઉભું કરે છે. ખાસ કરીને ઉત્સવો દરમિયાન યુવાનો અને બાળકો માટે સલામતીના પૂરતા ઉપાયો જરૂરી બનતા હોય છે.


