ઓખામંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 5.02 લાખની કિંમતની વિદેશી દારૂની 456 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર અને મકાન માલિક સહિત બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન તળે મીઠાપુરના પી.આઈ. ડી. એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા મોડી રાત્રિના સમયે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિરાજદાન ગઢવી, ધર્મદીપસિંહ જાડેજા અને સુનિલભા માણેકને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર નજીકના ભીમરાણા ગામે રહેતા દિલીપસિંહ વીરાજી જાડેજા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળેથી રૂપિયા 2,50,800ની કિંમતની 228 બોટલ વ્હિસ્કી તથા રૂ. 2,50,800ની કિંમતની 228 બોટલ ફ્લેવર્ડ વોડકા મળી, કુલ રૂપિયા 5,01,600ની કિંમતની 456 બોટલ કબજે લેવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે રૂ. 5,000ની કિંમતમાં એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,06,600ના મુદ્દામાલ સાથે ભીમરાણા ગામના ઉમેદસિંહ ઉર્ફે અનિયો શિવુભા વાઢેર (ઉ.વ. 25) નામના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે મકાન માલિક દિલીપસિંહ વીરાજી જાડેજા અને દારૂનો આ જથ્થો આપનાર મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા (રહે. ભીમરાણા) નામના બે શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે તમામ ત્રણ શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


