જામનગર શહેરમાં ગઇકાલે વૈષ્ણવ પરંપરાનો અનોખો હોરી ધમાર ફુલફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભકતો અને હરીભકતો ઉપસ્થિત રહી ભકિતરસનો આનંદ માણ્યો હતો.
જામનગરમાં વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ અનિરૂદ્વ પુષ્ટીમાર્ગીય મહાવિદ્યાલય દ્વારા શહેરમાં ત્રણ સ્થળોએ હોરી ધમાર રસીયા ફુલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગઇકાલે તા.24ના જામનગરમાં જે.ડી. ધોળકીયા સ્કૂલ જે.ડી.પાર્ક, કુબેર પાર્કની બાજુમાં રણજીતસાગર રોડ જામનગર ખાતે હોરી રસીયા ફુલફાગ મહોત્સવ યોજાયો હતો. હોળીએ માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ પુષ્ટીમાર્ગીય સંપ્રદાયમાં પ્રભુ સાથેના પ્રેમ અને શાખ્યભાવનું પ્રતિક છે. ફુલફાગ મહોત્સવ અંતર્ગત ભકતોએ પ્રભુ ભકિતમાં લીન થઇ ફુલો અને ફાગના ઉત્સવનો લ્હાવો લીધો હતો.
પુ.પા.ગો. વલ્લભરાય મહોદય, પુ.પા.ગો. રસાદ્રરાય મહોદય, પુ.પા.ગો. પ્રેમાદ્રરાય મહોદયની પ્રેરણા સાથે જામનગરમાં હોરી ધમાર ફુલફાગ મહોત્સવનું આયોજન થયું છે. ગઇકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં ભકતોએ ફુલોની વર્ષા કરી આ મહોત્સવને માણ્યો હતો. આ મહોત્સવમાં વૈષ્ણવભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૈષ્ણવ હોરી ધમાર ફુલફાગ મહોત્સવને ભકિત સંગીત અને આનંદનો અવિસ્મરણીય સમન્વય બનાવ્યો હતો.


