Thursday, February 19, 2026
Homeરાજ્યજામનગરદુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

જામનગરની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 10 વર્ષની સજા તથા દંડનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ વર્ષ 2024ની અંધાશ્રમ આવાસ કોલોની, જામનગરમાં રહેતી મહીલા તથા તેનો ધર્મનો ભાઇ ખંભાળિયા નાકા પાસે આવેલ નાસ્તા વાળાને ત્યાં રાત્રીના 12-30 વાગે નાસ્તો કરતા હતા ત્યારે આરોપી હિરેનસિંહ વિજયસિંહ ઝાલાએ પોતાની પત્ની કયાં છે તેની પુછપરછ કરવા આ મહિલાને ફોન કર્યા અને ત્યારબાદ તુર્ત જ અડધી રાત્રે ખંભાળિયા નાકા પાસે પહોંચી જઇ મહિલાના શર્ટનો કોલર પકડી નીચે પછાડી દઇ બળજબરીથી તેના એકટીવામાં બેસાડીને પોતાના ઘરે લઇ જઇ મારકુટ કરી, બળજબરીથી દારૂ પીવડાવી, મહિલાની મરજી વિરૂઘ્ધ તેની સાથે શરીર સંબંધ બાંઘ્યો હતો.

- Advertisement -

આ અંગેની ફરીયાદ મહિલાએ સીટી-એ ડિવિ. પોલીસ સ્ટેશનમાં આપી હતી. ત્યારબાદ પોલીસે બનાવ સ્થળના સીસી ટીવી ફુટેજ મેળવી આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પે. પોકસો અને રેપ અદાલતમાં રજુ કર્યો હતો.

આ કેસ બોર્ડ ઉપર ચાલવા ઉપર આવતા કોર્ટે કાયદાકીય કાર્યવાહી કરી આરોપીના વકીલની દલીલો તથા સરકારી વકીલની દલીલો સાંભળીને આ કામના આરોપીને આઇપીસીની અલગ અલગ કલમો હેઠળની સજા તથા દંડનો હુકમ કર્યો છે આઇપીસી કલમ 376(1) નીચે 10 વર્ષની સખત કેદ તથા રૂા.15,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની જેલ સજા. આઇપીસી ક.365 નીચે પાંચ વર્ષની જેલની સજા તેમજ રૂા.10,000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી જેલ સજા, આઇપીસી ક. 328 નીચે સાત વર્ષની જેલની સજા તેમજ રૂા.10,000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર માસની સાદી જેલ સજા, આઇપીસી ક. 323 નીચે એક વર્ષની જેલની સજા તેમજ રૂા.2,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી જેલ સજા તથા આઇપીસી ક. 506 નીચે એક વર્ષની જેલની સજા તેમજ રૂા.2,000 નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી જેલ સજાનો હુકમ કર્યો છે. તમામ સજા એક સાથે ભોગવવાનો આરોપી વિરૂઘ્ધ હુકમ જામનગરના સ્પે. પોકસો તથા રેપની અદાલતના જસ્ટીસ આર.પી. મોગેરાએ જાહેર કર્યો છે.

- Advertisement -

આ કેસમાં સરકાર તરફે જામનગરના સિનીયર સરકારી વકીલ મુકેશભાઇ પી. જાની રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular