GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), જામનગર દ્વારા આયોજિત ’જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26’ માં જામનગરની સરકારી હાઈસ્કૂલના શિક્ષકે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. શહેરની દિગ્વિજયસિંહ ન્યૂ સરકારી હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાનના શિક્ષક સંજયભાઈ પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલ ઇનોવેશન ‘REAL LIFE MATHS-SCIENCE MAPPING‘ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ઇનોવેશન તરીકે પસંદગી પામ્યું છે.
વાસ્તવિક જીવન અને શિક્ષણનો સમન્વય: તાજેતરમાં 29 અને 30 જાન્યુઆરી, 2026 દરમિયાન DIET જામનગર ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં જિલ્લાની વિવિધ શાળાઓના ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો. સંજયભાઈના ઇનોવેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં જે ગણિત અને વિજ્ઞાન શીખે છે, તેનો વાસ્તવિક જીવનની ઘટનાઓ સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ સમજી શકશે કે પુસ્તકનું જ્ઞાન વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ: સંજયભાઈએ આ ઇનોવેશન હેઠળ 100 જેટલી વિવિધ પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરી છે, જેમાંથી 20 પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના સ્વ-અધ્યયન માટે તેમણે સાધનો વિકસાવ્યા છે જેમાં પ્રોજેક્ટ લેબ મેન્યુઅલ: દરેક પ્રવૃત્તિની વિગતવાર માર્ગદર્શિકા, વીડિયો ટ્યુટોરિયલ્સ: દરેક પ્રોજેક્ટની સમજ આપતી યુટ્યુબ ચેનલની રચના, શૈક્ષણિક ચાર્ટ્સ: દ્રશ્યમાન સમજૂતી માટે આકર્ષક ચાર્ટ્સ, ડિજિટલ મૂલ્યાંકન: પ્રવૃત્તિ બાદ જ્ઞાન ચકાસવા માટે ‘ક્વિઝ ગેમ’, પ્રોત્સાહન: ક્વિઝ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટિફિકેટની સુવિધા.
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ તરીકે પસંદ થયા બાદ, હવે સંજયભાઈ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ કાર્યક્રમ તારીખ 5 થી 7 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર ખાતે ’ યોજાશે.
આ નોંધપાત્ર સફળતા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઇનોવેશન કોર્ડીનેટર જીગ્નેશભાઇ કાનાણીએ તેમનું સન્માન કર્યુ હતું. આ ઉપરાંત દિગ્વિજયસિંહ ન્યૂ સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડી.એમ. હદવાણી, સ્ટાફ પરિવાર અને શિક્ષણ જગતના અગ્રણીઓએ સંજયભાઈ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી.


