જામનગર નજીક આવેલા સપડા ડેમમાં રવિવારે સાંજે ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકીના એક મિત્ર યુવકનું ડેમના પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ (ઉ.વ.18) નામનો યુવક ગઈકાલે રવિવારે તેના અન્ય બે મિત્રો સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ પર ગયા હતાં જ્યાં ત્રણેય મિત્રો ન્હાવા પડયા હતાં તે દરમિયાન શહેજાદ પાણીમાં ડૂબવા લાગતા કિનારે રહેલા બે મિત્રોએ બુમાબુમ કરી હતી પરંતુ, તે પહેલાં શહેજાદ ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. બાદમાં આ અંગેની જાણ કરાતા ફાયર શાખાના ભરત ગોહેલ, રણજીત પાદરીયા, રાજદીપ ઝાલા અને ભારત જેઠવા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડેમના પાણીમાં શહેજાદની શોધખોળ હાથ ધરવામાં આવતા શહેજાદ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.