જામનગર શહેર નજીક આવેલા નેવીમાં રહેતાં યુવકને તેના વિસ્તારમાં નીલગાયે ઠોકર મારતા પેટમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર અને પશુઓનો અસહ્ય ત્રાસ રહેલો છે. આ અબોલ પશુઓના કારણે અસંખ્ય અકસ્માતો અને હુમલાના બનાવોમાં શહેરીજનોનું મોત નિપજ્યાનું ઘટનાઓ પણ બની ગઇ છે ત્યારે જામનગર શહેર નજીક આવેલા નેવીના વિસ્તારામાં પણ આવી ઘટના બની છે જેની વિગત મુજબ નેવીમાં રહેતાં અને ફરજ બજાવતા હરસિય પ્રસન્ના (ઉ.વ.23) નામના યુવકને મંગળવારે વહેલીસવારના સમયે નેવીમાં જ નિલગાયે હડફેટે લેતા પેટમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નિવડી તે પહેલાં જ જવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મધુરેશકુમરા પાંડે દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.