કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતી યુવતીને તેણીના પિતાએ મોબાઇલ ફોન વાપરવાની ના પાડતા મનમાં લાગી આવતા તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતી મોનીકાબેન અશોકભાઈ ચાવડા (ઉ.વ.19) નામની યુવતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી હતી. પરંતુ તેણીના પિતા અશોકભાઈએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડી હતી. જે બાબતનું મનમાં લાગી આવતા મોનીકાબેન એ બુધવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત ન નિવડતા મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા અશોકભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. જે.જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.