જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ 2026 ના પ્રથમ 6 માસ દરમિયાન ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયામક કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ, નાપાસ નમૂનાઓ સામે કાયદેસરની કાર્યવાહી તેમજ ફૂડ સેફ્ટી અંગે જનજાગૃતિના કાર્યક્રમો સતત અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન વિભાગ દ્વારા કુલ 122 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તે પૈકી 36 નમૂનાઓના પૃથક્કરણ અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમાંથી 1 નમૂનો નાપાસ જાહેર થયો છે જ્યારે બાકીના નમૂનાઓ પરીક્ષણ હેઠળ છે.
વધુમાં, ગત એક વર્ષ દરમિયાન નાપાસ જાહેર થયેલા 8 નમૂનાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં 06 નમૂનાઓ પનીર અને 01-01 નમૂનાઓ ખોયા તથા ખજૂરના સમાવેશ થાય છે.
વિભાગને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાહન મારફતે વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ, ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ, તેમજ ખાદ્ય વ્યવસાયકારો અને નાગરિકોમાં ફૂડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે શંકા જણાય અથવા કોઈ ફરિયાદ હોય તો નાગરિકો પાસેથી અરજી સ્વીકારી જરૂરી તપાસ અને અનુરૂપ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત તથા સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે સતત દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.


