જામનગરના હાપા ગામમાં આવેલા જીરાના કારખાનામાં મશીનની ટાંકી ઉપર ચઢીને ટાંકીમાં જોવા જતા શ્રમિક યુવકનું પટકાઇ જવાથી ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલસફા રોડ સોસાયટીની શેરી નંબર બેમાં મકાન નંબર ત્રણમાં રહેતો ઇમરાનભાઇ હુશેનભાઇ સીદી (ઉ.વ.23) નામનો મજૂરીકામ કરતો યુવક ગઇકાલે બપોરના સમયે જામનગર તાલુકાના હાપા ગામમાં મેરેજ હોલની પાછળ આવેલા જીરાના કારખાનામાં જીરૂ ભરવાના સોલ્ટેક્સ મશીનની ટાંકી ઉપર ચઢીને અંદર જોવા જતાં સમયે અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની સદ્દામભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ બી. બી. જોગિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.