કાલાવડ તાલુકાના પ્રભુજી પીપલીયા ગામમાં રહેતી યુવતીને તેણીના દાદીએ ઘરકામ બાબતે ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી પાવડર પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને અછબડા નિકળતા કાળા ડાઘ રહી જતાં પેટમાં તથા છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલે ખસેડવામાં આવતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના પ્રભુજી પીપલીયા ગામમાં રહેતી અંજુબેન મોહનભાઇ વાઘેલા (ઉ.વ.20) નામની યુવતીને તેણીના દાદીએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જે ઠપકાનું મનમાં લાગી આવતા રવિવારે સવારના સમયે તેના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મોહનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ મઘ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મફીદાર ફળીયુ તાલુકાના મંડાર ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામના વાડી વિસ્તારમાં આવેલી જમનભાઇ લીંબાસીયાની વાડીમાં મજુરી કામ કરતા યુવાનની પત્ની રાલીબેન જીરીયાભાઇ મેહડા (ઉ.વ.31) નામની મહિલાને બે માસ પહેલા શરીરે અછબડા નિકળ્યા હતાં. જેના કારણે માથાના વાળ જતાં રહ્યા હતાં અને શરીરે કાળા ડાઘ રહી ગયા હતાં. દરમિયાન રવિવારે રાત્રીના 3 વાગ્યાના અરસમાં પેટમાં, છાતીમાં અને પગમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ જીરીયાભાઇ દ્વારા જાણ કરાઇ હતી. હે.કો. જે.કે. દલસાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


