Monday, September 28, 2026
Homeરાજ્યહાલારઓખામાં મહિલા સંચાલીત દેશી દારૂ પીવાનું પીઠું ઝડપાયું

ઓખામાં મહિલા સંચાલીત દેશી દારૂ પીવાનું પીઠું ઝડપાયું

એલસીબી દ્વારા દરોડો : ગ્રાહકો, બુટલેગરો સહિત 9ની ધરપકડ : પાંચ લાખનો મુદામાલ કબ્જે

ઓખા વિસ્તારમાં શનિવારે બપોરે એલ.સી.બી. પોલીસે કરેલી કાર્યવાહીમાં આર.કે. બંદર વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના વાડામાં ગ્રાહકોને દેશી દારૂ પીવા માટેની સુવિધા પૂરી પાડી, ચાલતા પીઠ્ઠામાં દરોડો પાડી, આ પ્રકરણમાં બુટલેગરો, ગ્રાહકો સહિતના નવ શખ્સોને કુલ રૂ. 4.99 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા વલુબેન સંચાલભા માણેક નામના મહિલા દ્વારા ઓખામાં આવેલી આર.કે. જેટી સામેના વાડામાં અન્ય એક આરોપી એવા ગઢેચી ગામના ઓઘડભા બુધાભા સુમણીયા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવી, પોતાના મળતીયા માણસો દ્વારા આ દેશી દારૂનો જથ્થો મંગાવીને પોતાના વાડામાં રાખવામાં આવતો હતો. અહીં ઉપરોક્ત મહિલા દ્વારા આરોપી ભાણજી જેસા મજેઠીયા, જેન્તી લખમણ ડાભી, રમેશ બચુ બાંભણિયા, ગૌતમ વજુ મજેઠીયા અને નાજા ઝીણા સોલંકી નામના ગ્રાહકોને દેશી દારૂ પીવા માટે તેમના વાડામાં ગ્લાસ, પાણી, બાઈટિંગ, બેઠક વ્યવસ્થા વિગેરે જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી.

અહીં, મહિલા દ્વારા દારૂનું પીઠું ખોલી અને જરૂરી વ્યવસ્થા ગોઠવી, મળતીયાઓ મારફતે નિયંત્રણ રાખી, અન્ય ચાર આરોપીઓ એવા રાજેશ હરીશ રામપરિયા, ભાવેશભા દોલુભા માણેક, શિવરાજભા ઉર્ફે શિવલો જીમલભા જામ અને જયરાજ વનરાજભા જામ નામના ચાર શખ્સોને દેશી દારૂનું વેચાણ કરવા તથા વ્યવસ્થા માટે રાખવામાં આવ્યા હોવાનું વધુમાં ખુલ્યું છે.

- Advertisement -

આ રીતે એકબીજાની મદદગારી કરી, કાવતરું રચીને ગ્રાહકોને દેશી દારૂ પૂરો પાડીને વાહનોમાં દેશી દારૂની હેરાફેરી કરી, એકબીજાની મદદગારી કરવામાં આવતી હોવા અંગેનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં પોલીસે રૂ. 47,000 ની કિંમતનો 235 લિટર દેશી દારૂ, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી રૂ. 3,00,000 ની કિંમતની મોટરકાર રૂપિયા 90,000 ની કિંમતના બે મોટરસાયકલ, રૂ. 45,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 17,000 ની રોકડ રકમ સાથે દારૂ માટેના ખાલી ગ્લાસ, નમકીનની પડીકીઓ, પાણીની બોટલ, દેશી દારૂના પ્લાસ્ટિકના ઝબલા સહિત કુલ રૂપિયા 4,99,000 નો મુદ્દામાલ કબજે કરી, નવ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે વલુબેન માણેક અને ઓઘડભા બુધાભાઈ સુમણીયાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

એલસીબી વિભાગના હેડ કોન્સ. ખીમાભાઈ કેશુરભાઈ કરમુરની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે તમામ 11 આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular