મોટા ખડબા ગામની ધુલખાણીયુ સીમ વિસ્તારમાં વાડીએથી ટ્રેકટરના વ્હીલ તથા લોખંડનો પાટલો, લોખંડની ઘોસરી સહિત કુલ રૂા. 32,200ની કિંમતના માલસામાની ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં પ્રતિપાલસિંહ જાડેજાની મોટા ખડબા ગામની ધુલખાણિયુ સીમ વિસ્તારમાં આવેલી ખેતીની જમીને જીજે10 ડીઇ 5399 નંબરનું ટ્રેકટર રાખ્યું હતું. આ દરમ્યાન ગત્ તા. 14ના રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ફરિયાદીની ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને ત્યાં પડેલ ટ્રેકટરના પ્લેટ સાથેના રૂા. 24 હજારની કિંમતના આગળના બન્ને વ્હીલ, ટ્રોલી જોડવા માટેનો રૂા. 6 હજારની કિંમતનો લોખંડનો પાટલો તથા સાટી જોડવા માટેની રૂા. 2200ની કિંમતની લોખંડની ઘોસરી ચોરી કરીને નાશી ગયા હતા.
આ અંગે પ્રતિપાલસિંહ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા આ અંગે પોલીસે ગુનો નોંધી લાલપુર હે.કો. એમ. એન. જાડેજા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.


