જામનગર શહેરના બાઇની વાડી વિસ્તારમાં રહેતાં યુવાને ઘણાં સમયથી ચાલી રહેલા ઘરકંકાસને નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ચુનાનો ભઠો, ઢોલિયા પીરની દરગાહ પાસે બાઇની વાડી રોડ ઉપર રહેતા મેહુલભાઇ ધરમશીભાઇ નકુમ (ઉ.વ.29) નામના યુવાનના ઘરે ઘણાં સમયથી ઘરકંકાસ ચાલતી હતી. તેમજ તેની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાથી ઘરકંકાસ અને નબળી પરિસ્થિતિના કારણે ચિંતામાં રહેતાં યુવાનને આ બાબતનું મનમાં લાગી આવતાં તેણે ગુરૂવારે રાત્રિના સમયે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં હે.કો. એચ. આર. સાગઠિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


