ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામના વાડી વિસ્તારમાં દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાઉ ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામના વાડી વિસ્તારમાં રાજેશભાઇ સંઘાણીના ખેતરમાં મજૂરીકામ કરતાં કેસરીબેન પર્વતભાઇ સંગોડ (ઉ.વ.50) નામના મહિલા મંગળવારે બપોરના સમયે તેના પુત્ર જહેશ સાથે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા ત્યારે અચાનક ડાબા પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં બેશુદ્ધ થઇ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ પર્વતભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


