જામનગર શહેરમાં ચોમાસાની વિદાય બાદ પણ મચ્છરજન્ય રોગચાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના આંકડા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 82 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયેલો કેસનો વધારો ઓક્ટોબર અને નવેમ્બરમાં વધુ વકર્યો છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 39 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં કેસનો આંકડો વધીને 35 થયો હતો, જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 39 કેસ નોંધાયા છે. આમ, માત્ર ત્રણ મહિનામાં જ ડેન્ગ્યુના 82 કેસ સામે આવ્યા છે. આ આંકડા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની વધતી ગંભીરતા દર્શાવે છે.
જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. હરેશ ગોરીના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 96 કેસ નોંધાયા છે. જ્યારે મલેરિયાના 18 કેસ સામે આવ્યા છે. જો કે, રાહતની બાબત એ છે કે અત્યાર સુધીમાં ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી.
View this post on Instagram
ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. શહેરના 13 આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ, આશા બહેનો અને સ્વયંસેવકોની મદદથી ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
આ કામગીરી દરમિયાન ઘરોમાં પાણી ભરેલા ખુલ્લા પાત્રો, સિમેન્ટની ટાંકીઓ, પક્ષીઓ માટે રાખવામાં આવતા પાણીના કુંડા, ગાયની કુંડીઓ તેમજ અગાસી પર ભરાયેલા પાણીની ચકાસણી કરવામાં આવી રહી છે. આવી જગ્યાઓમાં ડેન્ગ્યુના મચ્છરના લાર્વાનો ઉપદ્રવ ન થાય તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ’એબેટ’ દવાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં જ્યાં પણ ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ નોંધાય છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તાર અને આસપાસના ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે નાગરિકોએ પણ પોતાના ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી બની છે. પાણીના પાત્રોની નિયમિત સફાઈ, ટાંકીઓ ઢાંકીને રાખવી અને અગાસી કે અન્ય સ્થળોએ પાણીનો ભરાવો થતો અટકાવવો અત્યંત જરૂરી છે.


