Homeરાજ્યહાલારખંભાળિયા ઘરફોડ ચોરીપ્રકરણમાં લાખોના મુદામાલ સાથે બે તસ્કર ઝબ્બે

ખંભાળિયા ઘરફોડ ચોરીપ્રકરણમાં લાખોના મુદામાલ સાથે બે તસ્કર ઝબ્બે

સપ્તાહ પૂર્વે ગાયત્રીનગર વિસ્તારમાં મહિલાના મકાનમાં તસ્કરો ત્રાટકયા : તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી : ઓટોરિક્ષા, મોબાઇલ ફોન અને દાગીના મળી કુલ રૂા. 7.90 લાખનો મુદામાલ કબ્જે

ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં ખોડીયાર ચોક ખાતે રહેતા અલ્પાબેન રણજીતદાન ગઢવી નામના મહિલા તેમની પુત્રી નિમિશા સાથે ગત તા. 18 નવેમ્બરના રોજ તેમના માતાના ઘરે રોકાવા ગયા હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં રાખવામાં આવેલા સોનાના હાર, સોનાના ચેન, સોનાની વીંટી, ચાંદીના ઝાંઝર વિગેરે મળી કુલ રૂ. 3,39,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો.

- Advertisement -

આ પ્રકરણને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા ડિવિઝનના એ.એસ.પી. પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નેત્રમના સીસી ટીવી કેમેરા તેમજ બનાવ સ્થળ આસપાસના કેમેરાની તપાસણી બાદ જરૂરી વર્કઆઉટ કરીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસની મદદથી આગળની તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન સ્ટાફ કાનાભાઈ લુણા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર અને સામતભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે જુનાગઢ લીલી પરિક્રમા કરી પરત આવતા લલીયા ગામના પાટીયા પાસેથી અત્રે સંજયનગર વિસ્તારમાં રહેતા લખન ઉર્ફે લખમણ ભરત પરમાર (ઉ.વ. 19) અને ખોડીયાર ચોક વિસ્તારમાં રહેતા કિશન ઉર્ફે પાચો કાનજીભાઈ બગડા (ઉ.વ. 21) નામના બે શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 5.70 લાખની કિંમતના ચોરીના સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા બે લાખની કિંમતની ઓટો રીક્ષા અને રૂપિયા 20,000 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 7,90,000 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular