સલાયાનું મહેબૂબ એ બુખારી નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં જહાજમાં સવાર બે ખલાસીઓના મૃત્યુ થયા હતા. અન્ય 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતાં. આ અંગે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ સલાયાનું જહાજ ‘મહેબૂબ એ બુખારી’ (રજીસ્ટ્રેશન નંબર BDI 1415) 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા રવાના થયું હતું. આ જહાજ ઓમાનના દરિયામાં ખરાબ હવામાન અને બંને મુખ્ય એન્જિન ફેઈલ થવાને કારણે જહાજ ડૂબવા લાગ્યું હતું. તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં સલાયાના ગંઢાર યાસિન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા નામના બે યુવાનોના મૃત્યુ થયા હતાં. જ્યારે બાકીના 12 ખલાસીઓને ઓમાન નેવી તેમજ નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો “અલ હાજી હસન” અને “સફિના અલ નૂરે ઇલાહી” દ્વારા સંયુક્ત રીતે બચાવવામાં આવ્યા હતા.મૃતદેહો અને બચાવવામાં આવેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા. આ સમાચાર સલાયા પહોંચતા વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સલાયાના આદમ ભાયા (સેક્રેટરી, ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન) દ્વારા સંબંધિત તંત્ર અને ફોરેન ડિપાર્ટમેન્ટને ઈમેલ દ્વારા મૃતદેહો અને જીવિત ખલાસીઓને પરત લાવવા તેમજ જરૂરી કાગળો પૂરા કરવા અને તમામ સહાય પૂરી પાડવા જાણ કરવામાં આવી છે.


