કેન્દ્રની મોદી સરકાર સ્વચ્છ અને પારદર્શી શાસન સાથે છેલ્લા 7 વર્ષથી કેન્દ્રમાં કાર્યરત છે. અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે એકપણ કૌભાંડ થયાનું બહાર આવ્યું નથી અને તેના કારણે જ દિવસેને દિવસે પીએમ મોદીની લોકપ્રિયતા વધી રહી છે. પીએમ મોદી પણ ભ્રષ્ટાચાર મુકત શાસનની વાતો કરે છે અને તેનો આગ્રહ રાખવા પોતાના મુખ્યમંત્રીઓને જણાવતા હોય છે પરંતુ કેટલાક રાજ્યોમાં પીએમ મોદીની આ સલાહને ઘોળીને પી જવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહિ નરેન્દ્રભાઇએ જેના ઉપર ભરોસો મુકયો હોય તે વ્યકિતઓ દ્વારા મોટા પ્રમાણમાં જંગી ’વહીવટ’ કરવામાં આવે તો પીએમની નારાજગીનો સામનો કરવો પડે અને તેઓએ પોતાનું પદ પણ છોડવું પડે. આવું જ દેશના બે રાજ્યોમાં તાજેતરમાં થવા પામ્યું છે.
દેશના બે મહત્વના રાજ્યોમાં ભાજપના હાઇકમાન્ડે બે મુખ્યમંત્રીઓને બદલાવી તેમની જગ્યાએ સાવ નવા જ ’નિષ્કલંક, નિશાળીયા’ ગણાતા નેતાઓને મુખ્યમંત્રી પદ સોંપ્યું છે. બે રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના શાસનકાળમાં કરેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની માહિતી હાઇકમાન્ડ સુધી પહોંચી છે અને આ મામલે તપાસના ચક્રો પણ ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે.
ન્યુઝ ફર્સ્ટના એક અહેવાલ અનુસાર ભાજપના બે મુખ્યમંત્રીઓ કે જેમને હાલમાં જ પદમુકત કરવામાં આવ્યા છે તેઓ અને તેમના નજીકના સગા સંબંધીઓ ઉપર નજીકના સમયમાં આફત ટપકી પડે તો નવાઇ નહિ. ન્યુઝ ફર્સ્ટ અહેવાલ વધુમાં નોંધે છે કે, ભાજપના હાઇકમાન્ડે આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓના નજીકના લોકો અને તેમના પરિવારજનો વિરૂધ્ધ નાણાકીય ગેરરીતિની ફરીયાદો પહોંચી છે અને જં ગી રકમના ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે. હાલ આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ અને તેમના પરિવારજનો વિરૂધ્ધ અંદરખાને તપાસ પણ શરૂ થયાનું જાણવા મળે છે. આ મામલે આગામી સમયમાં મોટા ધડાકા-ભડાકા થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
મળતા અહેવાલો અનુસાર ભાજપના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના શાસનકાળમાં રિયલ એસ્ટેટ અને માઇનિંગ ક્ષેત્રમાં પોતાની સત્તાનો દુ રઉપયોગ કરી ભાજપ અને મોદીની સાખને કાળીટીલી લાગે તેવા કાર્યો કર્યાનું હાઇકમાન્ડની જાણમાં આવ્યું છે. કચ્છ અને ભાવનગર સહિતના શહેરોમાં કેટલાક વિવાદાસ્પદ લોકો સાથે સાંઠગાંઠ કરી જંગી નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એટલું જ નહિ આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના શાસનમાં કેટલાક શંકાસ્પદ કોન્ટ્રાકટ પણ આપ્યા હોવાનું હાઇકમાન્ડની જાણમાં આવ્યું છે. અત્રે એ નોંધનિય છે કે, આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે તે પૂર્વે ભાજપ આકરા પગલા લઇ દાખલો બેસાડે તેવી પણ શકયતા છે. એવું જાણવા મળે છે કે, હાઇકમાન્ડ આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓથી એટલી હદે નારાજ છે કે પદત્યાગ કરાવ્યા પછી એક પણ વખત તેઓની સાથે સંપર્ક પણ સાધ્યો નથી. હાઇકમાન્ડ કોઇપણ પગલા લેતા પહેલા તમામ પાસાઓનો પણ વિચાર કરે તેવી પણ શકયતા છે.