કાલાવડમાં રેસ્ટોરન્ટમાં ત્રણ શખ્સો દ્વારા પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી અમારા પાસે જમવાના પૈસા કેમ માંગશ? કહીને રેસ્ટોરન્ટ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડમાં ભગવતી પરા ધોરાજી રોડ પર રહેતા નિલેશભાઇ ભીખાભાઇ વેકરીયા કાલાવડ -જામનગર હાઈવે પર ક્રિષ્ના રેસ્ટોરન્ટ એન્ડ કેટરેસ નામની ખાણીપીણીની હોટલ ચલાવતા હોય ગત તા.23 ના રોજ પ્રકાશ બશીયા, ધર્મેશ ગોહેલ તથા હરસુખ ગોહેલ નામના ત્રણ શખ્સો ફરિયાદીની ખાણીપીણીની હોટલે આવી પત્રકાર તરીકેનું આઇકાર્ડ બતાવી ફરિયાદી પાસે ફૂડ લાયસન્સ માંગીને ‘તું પત્રકારો પાસે જમવાના પૈસા માંગે છે ?’ તેમ કહી ત્રણેય શખ્સોએ ફરિયાદીને અપશબ્દો બોલવા લાગ્યા હતાં અને ‘તું હવે બહાર નિકર એટલે લોખંડનું બખતર પહેરીને બહાર નિકળજે બાકી તારા હાથ-પગ ભાગી જશે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.