જામનગર શહેરમાં ઢીચડા રોડ પર સાંઈદર્શન સોસાયટી વિસ્તારમાં રહેતો યુવક નવા વર્ષ નિમિત્તે ફટાકડા ફોડતો હતો તે દરમિયાન તેના જ વિસ્તારનાં શખ્સે ફટાકડા ફોડવાની ના પાડી ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલી સાંઈ દર્શન સોસાયટી વિશાલ રેસીડેન્સી ફલેટ નં.504 માં રહેતાં મુકેશભાઈ પાણખાણીયા નામના સુથારી કામ કરતા યુવાનનો પુત્ર પાર્થ રવિવારે મધ્યરાત્રિના સમયે એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે ફટાકડા ફોડતો હતો તે દરમિયાન ફલેટમાં જ રહેતાં ખીમાભાઈ વાઢીયા અને અજાણ્યા શખ્સે આવીને ફટાકડા ફોડવાની ના પાડી પાર્થ સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ કિરીટભાઈ ઉપર પણ હુમલો કરતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ કરતાં હેકો આર.બી. બથવાર તથા સ્ટાફે મુકેશભાઈના નિવેદનના આધારે નાશી ગયેલા ખીમાભાઈ સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.