જામનગરમાં લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના બાલાજી ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં છઠ પૂજાને લઈને વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અહીં બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો દ્વારા પરંપરાગત રીતરિવાજો સાથે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. જેના કારણે આ વિસ્તાર જાણે ‘મિની બિહાર’ બની ગયો હોય તેવો માહોલ સર્જાયો છે.
છઠ પૂજાના ત્રીજા અને સૌથી મહત્ત્વપૂર્ણ દિવસે વ્રતધારી મહિલાઓ દ્વારા સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધના કરવામાં આવે છે. આ પર્વનું વ્રત અત્યંત કઠિન માનવામાં આવે છે. પરંપરા મુજબ મહિલાઓ 36 કલાક સુધી નિર્જળા ઉપવાસ રાખીને શ્રદ્ધાપૂર્વક વ્રતની તમામ વિધિઓ પૂર્ણ કરે છે.
છઠ પૂજાની તૈયારીઓના ભાગરૂપે ઘરોમાં પરંપરાગત પ્રસાદ તરીકે ઠેકુઆ અને ખજૂરી સહિતની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા શુદ્ધતા અને પરંપરાનું વિશેષ ધ્યાન રાખીને પ્રસાદ બનાવવામાં આવે છે.
જામનગરમાં રોજગાર અને વ્યવસાય અર્થે આવીને વસેલા બિહાર અને અન્ય રાજ્યોના પરિવારો છેલ્લા દોઢ દાયકાથી પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખી રહ્યા છે. દર વર્ષે સામૂહિક રીતે છઠ પૂજાની ઉજવણી કરી આસ્થાની પરંપરાને આગળ ધપાવવામાં આવે છે. આમ, 15 વર્ષથી જામનગરના બાલાજી ગ્રાઉન્ડ વિસ્તારમાં છઠ પૂજાના પર્વે બિહારની સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે.
View this post on Instagram


