કાલાવડના હરિપર (મેવાસા)માંથી એસઓજી પોલીસે રેઇડ દરમ્યાન બનાવટી દૂધ બનાવતી ડેરી ઝડપી લીધી હતી. પોલીસે રેઇડ દરમ્યાન 486 લીટર ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી તથા 44 કિલો દૂધ બનાવવાનો પાઉડર સહિતનો માલસામાન ઝડપી લીધો હતો. તમામ સામગ્રીના સેમ્પલ લઇ નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લામાં પોતાના આર્થિક ફાયદા માટે લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતાં ધંધાર્થીઓને શોધી કડક કાર્યવાહી કરવા રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના હોય જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લામાં આવા ધંધાર્થીઓ શોધવા સૂચના આપી હતી. જેને લઇ એસઓજી પીઆઇ વી. જે. રાઠોડ, પીએસઆઇ એલ. એમ. જેર, એ. વી. ખેરના માર્ગદર્શન મુજબ કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ દરમ્યાન કાલાવડ તાલુકાના હરિપર (મેવાસા) ગામમાં રહેતાં મેરૂ બધા વંશના રહેણાંક મકાને ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલતું હોવાની એસઓજીના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયૂરરાજસિંહ જાડેજા, નરપાલસિંહ જાડેજાને બાતમી મળતાં એસઓજી સ્ટાફે રેઇડ દરમ્યાન પોલીસને આશરે 486 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો હતો. આમ, દૂધમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતી હોવાની શંકા સાથે મોટી માત્રામાં સામગ્રી મળી આવતા પોલીસ દ્વારા તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસર સ્થળ પર પહોંચ્યા બાદ શંકાસ્પદ દૂધના જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને કચેરીની સીલ મારી જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત ધંધાર્થી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


