ભારતીય ત્રણેય સેનાઓ, કોસ્ટ ગાર્ડ, NDMA અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશો લેશે ભાગ, વાવાઝોડા, ભૂકંપ, પૂર સહિતની આપત્તિઓમાં સંયુક્ત રાહત અને બચાવ કામગીરીની સજ્જતા ચકાસાશે.
જામનગરમાં આગામી 17થી 19 નવેમ્બર દરમિયાન એરફોર્સ સ્ટેશન ખાતે ત્રણ દિવસીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. The Annual Joint Humanitarian Assistance and Disaster Relief Exercise 2026 (AJHE-26) નામની આ કવાયતને લઈને જામનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કવાયતના ભાગરૂપે શહેરના આકાશમાં પ્રેક્ટિસનાં દૃશ્યો પણ જોવા મળી રહ્યાં છે.
View this post on Instagram
આ સંયુક્ત કવાયતમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો એટલે કે ભારતીય થલસેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ તથા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ભાગ લેશે. આ ઉપરાંત મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓ પણ કવાયતમાં જોડાશે.
આ કવાયતનો મુખ્ય હેતુ મોટી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે વિવિધ સુરક્ષા અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, સહયોગ અને સંયુક્ત કામગીરીની ક્ષમતા મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને વાવાઝોડા, ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ તેમજ રાસાયણિક કટોકટી જેવી ગંભીર પરિસ્થિતિઓમાં અસરકારક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવશે.
કવાયત દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચે સંયુક્ત કામગીરી, ઝડપી પ્રતિસાદ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાપન માટેના સંકલનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે યોજાનારી આ કવાયતને કારણે આગામી દિવસોમાં જામનગરનું આકાશ પણ લશ્કરી કવાયતની ગતિવિધિઓથી ધમધમતું જોવા મળી શકે છે.


