જામજોધપુર તાલુકાના તરસાઇ ગામમાં આવેલી નદી કિનારે કુદરતી હાજતે ગયેલાં યુવાનને નદીમાંથી આવેલો મગર દેખી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નિપજ્યાના બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો કનુભાઈ જીવાભાઈ વાઢીયા (ઉ.વ.43) નામનો યુવાન મંગળવારે સવારના સમયે ગામની સીમમાં આવેલી નદી કિનારે કુદરતી હાજતે ગયો હતો અને તે દરમિયાન નદીમાંથી બહાર આવેલો મગર આ યુવાનને ખેચી જતા ગંભીર ઈજા પહોંચી હતી. યુવાને બુમાબમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને ત્યારબાદ યુવાનને ત્યાંથી સારવાર માટે જામજોધપુર સી.એચ.સી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. નાના એવા ગામમાં મગરે યુવાનને ખેંચી જવાની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ અંગેની મૃતકના પુત્ર રાજુભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તરસાઈમાં કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો..!
ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત : ગ્રામજનોમાં ફફડાટ : પોલીસ દ્વારા કાર્યવાહી