Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરશું જામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવાનું બંધ કરી દેવાયું છે ?

શું જામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવાનું બંધ કરી દેવાયું છે ?

- Advertisement -

જ્યારે જામનગર શહેર અને જિલ્લામાં કોરોના તેના ચરમ પર હતો ત્યારે કોરોનાને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા કોરોના દર્દીઓ ધરાવતા મકાનો તથા વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવતાં હતાં પરંતુ, કોરોનાએ શહેર-જિલ્લામાં ફરીથી માથુ ઉંચકયુ છે ત્યારે કોરોના દર્દીઓ ધરાવતા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે કે કેમ ? તે અંગેની કોઇ જ જાણકારી ઉપલબ્ધ નથી. સરકારી તંત્ર દ્વારા પણ ઘણાં લાંબા સમયથી આ અંગેની જાણકારી મીડિયાને આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ર્ન એ ઉઠે છે કે શું જામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ?
માર્ચ 2020 માં લોકડાઉન બાદ કોરોનાની મહામારીને નાથવા માટે સંખ્યાબંધ સખ્ત પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કલસ્ટર, કન્ટેઇનમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેઇનમેન્ટ વગેરે કેટેગરીમાં વિભાજિત કરીને નિયંત્રણો લાગુ કરવામાં આવતા હતાં. જે અંગેની સત્તાવાર જાણકારી સરકારી તંત્ર દ્વારા મીડિયાને આપવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, જ્યારે શહેરમાં કોરોનાની પીક ચાલી રહી હતી તેવા સમયે માઈક્રો કન્ટેઇનમેન્ટની પણ ભરમાર હતી. લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારો પણ જાણવા માટે ઉત્સુક રહેતા હતાં પરંતુ, જેમ-જેમ કોરોના નબળો પડતો ગયો તેમ-તેમ તંત્ર દ્વારા મીડિયાને આપવામાં આવતી કોરોના સંબંધિત માહિતીમાં પણ કાપ મૂકવામાં આવતો ગયો. આજે હવે જ્યારે ફરીથી કોરોનોએ માથુ ઉંચકયુ છે ત્યારે જામનગરમાં કોઇ કન્ટેઇનમેન્ટ વિસ્તારો છે કે કેમ ? તે અંગેની કોઇ જાણકારી મીડિયા પાસે નથી. તંત્ર દ્વારા પણ ઘણાં લાંબા સમયથી આવી જાણકારી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અગાઉ આ અંગે બહાર પાડવામાં આવતાં વિસ્તારોના લીસ્ટ સાથેના નોટિફિકેશન મીડિયાને આપવામાં આવતા હતાં.
જો કે, સમયની સાથે કોરોનાની ગાઈડલાઈનમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ કોરોના સંક્રમણ ધરાવતા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની સત્તાઓ હજુ પણ જિલ્લા પ્રશાસન પાસે છે ત્યારે હાલમાં જામનગર શહેરમાં કોઇ કન્ટેઇનમેન્ટ વિસ્તારો છે કે કેમ ? તે અંગે જાણકારી જિલ્લા પ્રશાસન દ્વારા મીડિયા મારફત લોકોને આપવી જરૂરી છે. તંત્ર દ્વારા આ અંગે મીડિયાને પર્યાપ્ત જાણકારી મળી રહે તે માટેની કોઇ સૂચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. એકમાત્ર સરકારી પીપુડી સમાન માહિતી વિભાગ દ્વારા તંત્રને જે અનુકૂળ આવે અને જેટલી માહિતી આપવી હોય તેટલી માહિતી જ આપવામાં આવે છે. મીડિયાને જે માહિતીઓની જરૂર છે તે માહિતી મેળવતા પત્રકારોને પગે પાણી આવી જાય છે!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular