જામનગર શહેરના સિઘ્ધાર્થનગર વિસ્તારમાં જૂના ચાલતા મનદુ:ખનો ખાર રાખી પિતા-પુત્ર સહિતના આઠ શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કરી, જાતિ પ્રત્યે અપમાનિત કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના વામ્બે આવાસ રોડ પર આવેલા સિઘ્ધનાર્થનગરમાં રહેતા યશ સુરેશભાઇ વરણ અને બળુભા ઝાલા વચ્ચે જુનું મનદુ:ખ ચાલતું હતું. જે બાબતનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે યશનો ભાઇ બાઇક પર તેના ઘર પાસેથી પસાર થતો હતો તે દરમ્યાન બળુભા ઝાલા અને તેનો પુત્ર મુન્નો ઝાલા નામના બન્ને શખ્સોએ બાઇક પર આવી યશના ભાઇ ઋત્વિકને આંતરીને, “તારો ભાઇ યશ કયાં છે?” તેમ કહી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ મુન્ના ઝાલાના આઠ અજાણ્યા મિત્રોએ ચાર જુદી જુદી બાઇક પર આવી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ ઋત્વિકને પગમાં તથા માથામાં ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
જુના મનદુ:ખનો ખાર રાખી પિતા-પુત્ર સહિતના 10 શખ્સોએ યુવક ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફ દ્વારા દસ જેટલા શખ્સ વિરૂઘ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.