જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં અને કલોલના વતની યુવાને થોડા સમય પહેલાં આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કલોલના શખ્સ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ગાંધીનગર જિલ્લાના કલોલના વતની અને હાલ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતાં વિજયભાઈ ચૌહાણ નામના યુવાને દોઢેક માસ અગાઉ યુવાને તેના સસરાને ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
દરમિયાન મૃતકની પત્ની ચંદ્રિકાબેન ચૌહાણ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ કલોલના કેશવ કાંતિ જાદવ નામના શખ્સના ભાભીને વિજય ચૌહાણ સાથે લગ્ન કરવા હતાં. પરંતુ, વિજય ચૌહાણ લગ્ન કરવા તૈયાર થતો ન હતો. જે બાબતની જાણ કેશવને થઈ જતા તેણે વિજય અને તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી મરી જવા માટે મજબુર કરતા વિજયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેના આધારે પીએસઆઇ જે એસ ગોવાણી તથા સ્ટાફે કેશવ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.