જામનગર શહેરમાં દુષ્કાળ અને પાણીની પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. શહેરમાં પાણીનો વેડફાટ કરનારા આસામીઓ વિરૂદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ રૂા. 75,950નો આકરો દંડ વસૂલવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરમાં કિંમતી જળસંપત્તિનો બગાડ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ શાખા દ્વારા સઘન ચેકિંગ અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલી રહી છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરતા લોકો સામે દંડકીય પગલાં લેવામાં આવ્યા છે.
ઝુંબેશની શરૂઆતથી મહાનગરપાલિકા દ્વારા કુલ 663 આસામીઓને પાણી વેડફાટ અંગે નોટિસ આપવામાં આવી છે. કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ રૂ. 75,950નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વારંવાર તાકીદ કરવા છતાં પાણીનો બગાડ કરતા હોય તેવા કુલ 18 આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
પાણી વેડફાટ અટકાવવાની ઝુંબેશ અંતર્ગત શહેરના 13 ઝોનમાં નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ગોકુલ નગર ઝોનમાં 143, સમર્પણમાં 88, ગુલાબનગરમાં 83, રવિ પાર્કમાં 73, જામનું ડેરુ/પાબારી ઝોનમાં 50, શંકર ટેકરી અને મહાપ્રભુજી બેઠક ઝોનમાં 41-41, રણજીતનગર અને જ્ઞાનગંગા ઝોનમાં 33-33, સોલેરિયમ અને નવાગામ ઝોનમાં 23-23 તેમજ બેડી અને પવનચક્કી ઝોનમાં 16-16 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આમ, મહાનગરપાલિકા દ્વારા કુલ મળીને 663 લોકોને પાણીના બગાડ સબબ નોટિસ આપવામાં આવી છે.


