ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ અને સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવી રહી છે.
ત્યારે આજરોજ બપોરે પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન વુમન પોલીસ કર્મી ગુલાબબેન ઝાપડા તથા મનીષાબેન મટાલીયાને બે વર્ષનું એક બાળક મળી આવ્યું હતું. જે પોતાના માતાથી વિખૂટું પડી ગયું હોવાનું પોલીસને ધ્યાને આવતા આ ગંભીર બાબતે પોલીસે બાળકના માતા- પિતાની શોધખોળ આદરી હતી.
માતા-પિતા વગર વ્યથીત બની ગયેલા બાળક અંગે પોલીસે આ સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા જામનગરથી અહીં મેળો કરવા આવેલા શ્રમિક પરિવારનું આ બાળક હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. આથી પોલીસે આ અંગેની ખરાઈ કરીને આ બાળક તેના માતા-પિતાને સોંપ્યું હતું.
શિરેશ્વર લોકમેળામાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગેની સધન કામગીરી કરવામાં આવી હતી.