Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરશાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી સત્ર ફી ઉઘરાવવામાં ન આવે :...

શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી સત્ર ફી ઉઘરાવવામાં ન આવે : એનએસયુઆઇ

જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી શાળા સંચાલકોને સૂચના આપવા માંગણી કરવામાં આવી અન્યથા આંદોલનની ચેતવણી

- Advertisement -

ફરી વકરી રહેલા કોરોનાના પગલે ગુજરાત સહિત દેશમાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો છે. ત્યારે શિક્ષણને લઇને રાજ્યમાં ફરી એકવાર અનિશ્ર્ચિતતાની સ્થિતિ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં જામનગરની સીબીએેસસી શાળાઓ પણ આગામી શૈક્ષણિક સત્ર માટેની ફી વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઉઘરાવે નહીં તેવી માંગણી એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી પરિપત્ર બહાર પાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મહિલપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ તથા યુવક કોંગ્રેસના રાજ્યમંત્રી શક્તિસિંહ જેઠવા સહિતના આગેવાનોએ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી એવી માંગણી કરી છે કે, હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે વકરતી જાય છે. આવી સ્થિતિમાં શાળાઓ શરૂ થવાની સંભાવનાઓ નહિંવત છે. ગતવર્ષ પણ કોરોના મહામારીને કારણે આખુ વર્ષ શાળાઓ બંધ રહી હતી. છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ફી માફીની જગ્યાએ ફકત 25 ટકા ફી માફ કરવામાં આવી હતી.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓ શરૂ થતાં બે થી અઢી મહિના જેવો સમય લાગી જાય તેમ છે. ત્યારે જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી જામનગરની સીબીએસસી શાળાઓ સત્ર ફી ન ઉઘરાવે અને જો શાળાઓએ ફી વસુલવી હોય જ તો ગતવર્ષના નિયમ મુજબ 25 ટકા માફી સાથે વસુલવામાં આવે. આવેદનપત્રમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગે શાળાઓને એક પરિપત્ર જાહેર કરીને ફીની ઉઘરાણી અંગે સૂચના આપવામાં આવે. કોરોનાની પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને આ પ્રકારની રાહત આપવામાં નહીં આવે તો તમામ શાળાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સામે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular