જામનગર શહેરમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાતા શહેરીજનો ખુશી સાથે વરસાદની રાહ જોઇ રહ્યા હતાં શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો. મેઘરાજા મનમુકીને વરસાદે તેમ શહેરીજનોમાં લાગણી છવાઇ છે. છેલ્લા 24 કલાકમાં લાલપુર તાલુકામાં 5 મી.મી., વાંસજાળીયામાં 12 મી.મી., હરીપરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેરમાં નગરજનો દ્વારા લાંબા સમયથી મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, દરમિયાન મેઘવૃષ્ટિની રાહ જોઈ રહેલા જામનગર શહેરવાસીઓ માટે સોમવારનો દિવસ રાહતભર્યો રહ્યો હતો. આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને સવારે અંદાજે સાડા દસ વાગ્યાના અરસાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદ શરૂ થતાં શહેરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને હજુ પણ વાદળછાયું વાતાવરણ હોવાથી વધુ વરસાદની આશા સેવાઈ રહી છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સત્તાવાર રીતે લાલપુર તાલુકામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે રાષ્ટ્રીય કૃષિ હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ લાલપુર તાલુકાના હરિપર ગામમાં 2 મિ.મી. ક્યારે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો નહોતો.
આજે શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો સહિત શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પણ આકાશ વાદળછાયું રહેતાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગના તા. 20-07-2026ના આંકડા મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની સરેરાશ ગતિ 12.5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. ભેજનું ઊંચું પ્રમાણ અને બદલાયેલા હવામાનને પગલે આગામી કલાકોમાં પણ વધુ વરસાદની શક્યતા રહેલી છે.


