લાલપુર તાલુકાના ખટિયા ગામના પાટિયા પાસે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી કારે પાછળથી બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામમાં રહેતાં ભરતસિંહ રણજિતસિંહ ચુડાસમા નામના યુવાન ગત્ તા. 20ના રોજ રાત્રિના સમયે તેના જીજે10 સીકયુ 0799 નંબરના બાઇક પર તેની વાડીએથી ખટિયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલી જીજે10 ઇએચ 8799 નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં યુવાન રોડ પર પટકાયો હતો. ત્યારબાદ ગંભીર ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ ધર્મેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર મૂકી નાશી ગયેલા ચાલક સામે ગુુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


