જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં આવેલા પીતળના કારખાનામાં ડેલો ટપીને અજાણ્યા તસ્કરોએ શટરના તાળા તોડી શેડમાં રાખેલો રૂા. 3,18,500 ની કિંમતનો પીતળ અને રૂા.32,000 ની રોકડ રકમ તથા ડીવીઆર સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીસતસાગર રોડ પર આવેલા પટેલપાર્કમાં રહેતાં નીતિનભાઈ દામજીભાઈ રાબડિયા (ઉ.વ.47) નામના કારખાનેદારના દરેડ જીઆઇડીસી ફેસ-2 માં ઈલેકટ્રીક ઝોન પ્લોટ નંબર-ઈ/6 માં આવેલા હિન્દુસ્તાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગત તા. 20 ના રોજ રાત્રિના 09 વાગ્યાથી તા.21 ના સવારે 08 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ારખાનાનો ડેલો ટપી પ્રવેશ કરી ઉપરના માળે આવેલા શેડમાં તથા ઓફિસના શટ્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂા.3,18,500 ની કિંમતનો પીતળનો સામાન તથા ઓફિસના ટેબલમાં રાખેલી રૂા.32,000 ની રોકડ રકમ તેમજ રૂા.5000 ની કિંમતનું સીસીટીવી ફુટેજનું ડીવીઆર મળી કુલ રૂા. 3,55,000 નો માલમત્તા ચોરી કરી ગયા હતાં. ચોરીની કારખાનેદાર દ્વારા જાણ કરવામાં આવતા ઈન્ચાર્જ પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.